એડજુવન્ટ થેરપી એટલે મુખ્ય સારવાર પછી આપવામાં આવતી વધારાની કેન્સર સારવાર, જેમાં કેન્સરના રિકરન્સ (પુનરાગમન)ને ઘટાડવા માટે હોર્મોન થેરપી, કીમોથેરપી અથવા રેડિયેશનનો સમાવેશ થઇ શકે છે.
એનાસ્ટ્રોઝોલ એ શરીરમાં ઈસ્ટ્રોજનનું સ્તર ઘટાડવાં માટેની દવા છે અને પોસ્ટમેનોપોઝલ (રજોનિવૃત્તિ બાદ)સ્ત્રીઓમાં હોર્મોન રિસેપ્ટર-પોઝિટિવ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં ઉપયોગી થાય છે.
એરૉલા એટલે કે સ્તનની નિપલની આસપાસનો ગોળ, ઘેરાં રંગનો વિસ્તાર.

બિનાઇન એટલે કે સૌમ્ય, સાદી ગાંઠ. એક એવી ગાંઠ કે જે કેન્સરગ્રસ્ત અથવા જીવલેણ નથી.

જનીન પરિવર્તન માટે વપરાતું સંક્ષિપ્ત રૂપ વ્યક્તિના સ્તન કેસર થવાની સંભાવનાને અસર કરતાં હોવાનું જણાવી શકતા BRCA. જનીન પરિવર્તન બે પ્રકારના હોય છે. BRCA1 અને BRCA2.
સ્તન કેસરનાં સંદર્ભે બાયોપ્સીમાં રોગની તપાસ કરવા માટે સ્તનના ભાગેથી પેશીને લેવામાં આવે છે. કેટલીક બાયોપ્સીમાં સોય વડે ટીશ્યુના નાના નમૂના કાઢવાની જરૂર પડી શકે છે જ્યારે અન્ય કિસ્સાઓમાં શંકાસ્પદ નોડ્યુલ અથવા ગઠ્ઠો કાઢવાની જરૂર પણ પડી શકે છે. મોટાભાગની બાયોપ્સી નાની પ્રક્રિયાઓ હોવાથી, દર્દીઓને સામાન્ય રીતે ઘેનની જરૂર હોતી નથી. જો કે, કેટલીકવાર સ્થાનિક એનેસ્થેસિયાનો ઉપયોગ કરી શકાય છે.
સ્તન કેન્સરના નિદાન માટે કરાતી બાયોપ્સી એ એક સરળ તબીબી પ્રક્રિયા છે. યાદ રાખો જ્યારે તબીબ દ્વારા "સ્તન બાયોપ્સીની જરૂર છે" તેમ કહેવામાં આવે છે તેનો અર્થ એ નથી કે વ્યક્તિને કેન્સર છે જ. અન્ય કેટલીક પરિસ્થિતિઓ પણ સ્તનમાં ગાંઠ થવાનું અથવા વૃદ્ધિનું કારણ બની શકે છે. સ્તન બાયોપ્સી એ નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે કે તમારા સ્તનમાં જણાતી એ ગાંઠ કેન્સરગ્રસ્ત છે કે સૌમ્ય. બાયોપ્સી એ કેન્સરને ખાતરીપૂર્વક શોધવાનો રસ્તો છે.

સ્તન બાયોપ્સીના પ્રકારોસ્તન બાયોપ્સીના વિવિધ પ્રકારો છે. વ્યક્તિના શરીરના ચિન્હો અને લક્ષણો અનુસાર તબીબ બાયોપ્સીનો પ્રકાર નક્કી કરે છે.
ફાઇન નીડલ (FNA) બાયોપ્સી:FNA બાયોપ્સીમાં, સિરીંજ સાથે જોડાયેલ ખૂબ જ પાતળી, હોલો સોયનો ઉપયોગ શંકાસ્પદ વિસ્તારમાંથી થોડી માત્રામાં પેશીઓને ખેંચવા (એસ્પિરેટ કરવા) કરવા માટે થાય છે. FNA બાયોપ્સી માટે વપરાતી સોય રક્ત પરીક્ષણ માટે વપરાતી સોય કરતાં પાતળી હોય છે. આ પ્રવાહીથી ભરેલા ફોડલો અને ઘન સમૂહના ગઠ્ઠા વચ્ચેનો તફાવત નક્કી કરવામાં મદદ કરે છે.

કોર નીડલ બાયોપ્સી: કોર નીડલ બાયોપ્સી ફાઇન નીડલ બાયોપ્સી જેવી જ છે. કોર બાયોપ્સી ડૉક્ટર દ્વારા અનુભવાયેલા અથવા અલ્ટ્રાસાઉન્ડ, મેમોગ્રામ અથવા MRI પર જોવામાં આવેલા સ્તનના ફેરફારોના નમૂના લેવા માટે મોટી સોયનો ઉપયોગ કરે છે. જો સ્તન કેન્સરની શંકા હોય તો આ બાયોપ્સી ઘણીવાર પસંદગીનો પ્રકાર બની રહે છે.

સર્જિકલ બાયોપ્સી:દુર્લભ કિસ્સાઓમાં, પરીક્ષણ માટે ગઠ્ઠાના તમામ અથવા ભાગને દૂર કરવા માટે શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. તેને સર્જીકલ અથવા ઓપન બાયોપ્સી કહેવામાં આવે છે. ત્યાર બાદ, સેમ્પલ હોસ્પિટલની લેબોરેટરી (પ્રયોગશાળા) માં મોકલવામાં આવે છે. પ્રયોગશાળામાં, જો તે કેન્સરગ્રસ્ત હોય તો સમગ્ર ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો હતો તેની ખાતરી કરવા માટે તેઓ કિનારીઓનું પરીક્ષણ કરશે. ભવિષ્યમાં વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે તમારા સ્તનમાં મેટલ માર્કર છોડી દેવામાં આવી શકે છે.
લસિકા ગાંઠ બાયોપ્સી:ડૉક્ટરને કેન્સરના પ્રસાર વિશે તપાસ કરવા માટે હાથની નીચે લસિકા ગાંઠોની બાયોપ્સી કરવાની પણ જરૂર પડી શકે છે. આ સ્તનની ગાંઠની બાયોપ્સી અથવા જ્યારે સર્જરી વખતે સ્તનની ગાંઠ દૂર કરવામાં આવે ત્યારે તે જ સમયે થઈ શકે છે.
સ્ટીરિયોટેક્ટિક બાયોપ્સી:સ્ટીરિયોટેક્ટિક બાયોપ્સી દરમિયાન, વ્યક્તિ ટેબલ પર મોઢું રાખીને સૂઈ જાય છે જેમાં છિદ્ર હોય છે. ટેબલ ઈલેક્ટ્રિકલી પાવર્ડ હોય છે અને તેને ઉભું કરી શકાય છે. આ રીતે, તમારા સર્જન ટેબલની નીચે કામ કરી શકે છે જ્યારે તમારા સ્તનને બે પ્લેટની વચ્ચે નિશ્ચિતપણે રાખવામાં આવે છે. તમારા સર્જન એક નાનો ચીરો કરશે અને સોય અથવા વેક્યૂમ-સંચાલિત પ્રોબ વડે નમૂનાઓ લેશે.

એમઆરઆઈ-માર્ગદર્શિત કોર નીડલ બાયોપ્સી:એમઆરઆઈ-માર્ગદર્શિત કોર નીડલ બાયોપ્સી દરમિયાન, એમઆરઆઈ મશીન એવી છબીઓ પ્રદાન કરશે જે સર્જનને ગાંઠ વિશે માર્ગદર્શન આપે છે. એક નાના ચીરા દ્વારા કોર નીડલની મદદથી નમૂના લેવામાં આવે છે.
બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એટલે સ્તનની જાત તપાસ કે સ્વતપાસ. જે માસિકના અમુક દિવસો બાદ અથવા રજોનિવૃત્ત મહિલાઓ દ્વારા એક ચોક્કસ દિવસ નક્કી કરીને થઇ શકે છે. સાચી રીતે કરવામાં આવેલ સ્તનના જાત પરીક્ષણથી સ્તનની અસામાન્યતાઓને પારખી, તબીબી સહાય લઇ શકાય છે.
કીમોથેરાપીમાં આવતો Chemo શબ્દ એ કેમિકલ (રસાયણ) ના સંદર્ભમાં હોય છે. કિમોથેરાપી એ કેન્સર સારવારની એક પ્રણાલીગત ઉપચારપદ્ધતિ છે કે જે કેન્સરના કોષો (સાયટોટોક્સિક) ને નષ્ટ કરવા માટે દવાઓનો ઉપયોગ કરે છે. આ દવાઓ કેન્સરના કોષોને ગુણાકાર કરતા અટકાવવા અને શરીરમાં કેન્સરગ્રસ્ત કોષોની સંખ્યાને દૂર કરવા અથવા ઘટાડવાનું કામ કરે છે. કીમોથેરપીનો ઉપયોગ ઘણીવાર સારવારની એકંદર (સમગ્રતામાં) યોજનાનો ભાગ હોય છે, જેનો ઉપયોગ અન્ય ઉપચારો સાથે સંયોજનમાં થાય છે.

કીમોથેરાપી કેવી રીતે આપવામાં આવે છે?
ઇન્જેક્શન: ઇન્જેક્શન એટલે કે એક શૉટ તરીકે આપવામાં આવે છે. આ શૉટ સ્નાયુમાં અથવા ત્વચાની નીચે આપવામાં આવે છે.
ઇન્ટ્રા-ધમની (IA): ધમની એ એક રક્તવાહિની છે જે માનવીનાં હૃદયમાંથી શરીરના બીજા ભાગમાં લોહી વહન કરે છે. કેટલીકવાર કીમોથેરાપીને ધમનીમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે જે સીધા કેન્સર કોષોને અસર કરે છે. આને ઇન્ટ્રા-આર્ટરિયલ અથવા IA કીમોથેરાપી કહેવામાં આવે છે.
ઇન્ટ્રા વેનસ (IV): ઘણી દવાઓને સીધી નસમાં ઇન્જેક્શનની જરૂર પડે છે. આને ઇન્ટ્રા વેનસ અથવા IV કીમોથેરાપી કહેવામાં આવે છે. સારવારમાં થોડી મિનિટોથી લઈને થોડા કલાકો સુધીનો સમય લાગે છે.
ઓરલ (મૌખિક) કીમોથેરપી: આ થેરપી દવા ગોળી/ કેપ્સ્યુલ અથવા પ્રવાહી દ્વારા આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે દર્દી પોતાની દવા ફાર્મસીમાંથી લઈ અને તેને ઘરે લઈ શકે છે. કેન્સર માટે મૌખિક સારવાર હવે વધુ સામાન્ય છે. આમાંની કેટલીક દવાઓ દરરોજ આપવામાં આવે છે, અને અન્ય કેટલીક તેનાથી ઓછી વાર આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એક દવા 4 અઠવાડિયા માટે દરરોજ આપવામાં આવી શકે છે અને ત્યારબાદ 2-અઠવાડિયાનો વિરામ.
કિમોપોર્ટ સિલિકોનની નાની ટયુબનું બનેલું એક સાધન છે, જેને સીધું નસ સાથે જોડી શકાય છે. આ સાધનનો મુખ્ય લાભ એ છે કે કિમોથેરાપીની દવા સીધી આ પોર્ટ દ્વારા આપી શકાય છે, જેથી વારંવાર નસમાં ઇન્જેક્શન આપવાની જરૂર રહેતી નથી.
કીમોપોર્ટનાં ફાયદા:
- કિમોપોર્ટ શરીરમાં જંતુમુક્ત પદ્ધતિથી દાખલ કરવામાં આવે છે, જેથી ચેપની શક્યતા ઓછી થાય છે.
- કિમોપોર્ટ દવા આપવા, લોહી લેવા તથા PET અને CT સ્કેન જેવી તપાસ દરમ્યાન શરીરમાં ડાઈ ઈન્જેક્ટ કરવાં માટે પણ ઉપયોગી થાય છે.
- કિમોપોર્ટને કારણે ત્વચાના સંપર્કમાં આવતી દવાઓ અને તેની ત્વચા પર થતી સંભવિત આડઅસરનું જોખમ ઘટે છે.
- લાંબા સમયની સારવારમાં તે ઉપયોગી સાબિત થાય છે.
- શરીરમાં દાખલ કરાતાં અન્ય સાધનોની તુલનામાં કિમોપોર્ટ કોસ્મેટીકલી વધુ સ્વીકાર્ય છે.
કીમો બ્રેઈન એ કેન્સરના દર્દીઓ અને કેન્સર બાદ સ્વસ્થ થયેલા વ્યક્તિઓ દ્વારા કેન્સરની સારવાર કે કોમોથેરપીની સંભવિત આડઅસરોનું વર્ણન કરવા માટે ઉપયોગમાં લેવાતો સામાન્ય શબ્દ છે, જેમાં મગજમાં ફોગ જેવી સ્થિતિ, જ્ઞાનાત્મક ક્ષતિ અથવા નિષ્ક્રિયતા, અથવા વિચાર કે યાદશક્તિ ને લગતી સમસ્યાઓનો સમાવેશ થાય છે.
કેન્સરના સંદર્ભે ક્લિનિકલ ટ્રાયલ્સ એટલે નવી સારવાર પદ્ધતિ અથવા દવાઓની સલામતી અને અસરકારકતાને માપવાં માટેનું પરીક્ષણ કે સંશોધનાત્મ્ક અભ્યાસ.
દર્દીઓને કેન્સરના નિદાન અને સારવારનો સક્ષમતાપૂર્વક સામનો કરવામાં મદદરૂપ થવા માટે આપવામાં આવતી માનસિક સહાય.
એટલે કે ગાઢ સ્તનો જેમાં ફાઈબ્રોગ્લેન્ડ્યુલર પેશીઓની ઊંચી સાંદ્રતા હોય છે. ગાઢ સ્તન પેશી સ્તન કેન્સર વિકસાવવા માટેના જોખમકારક પરિબળો માંનુ એક છે અને સાદા મેમોગ્રામ દ્વારા કરાતાં નિદાનને મુશ્કેલ બનાવી શકે છે.
આ સ્તન કેન્સરનો પ્રારંભિક અને બિન-આક્રમક પ્રકાર છે જ્યાં સ્તનની દૂધની નળીઓના અસ્તરમાં અસામાન્ય કોષો જોવા મળે છે, અને અસામાન્ય કોષો નળીની બહાર ફેલાતા નથી. DCIS એ સ્ટેજ 0 સ્તન કેન્સર છે, એટલે કે કેન્સર બિન-આક્રમક છે અને તે કેન્સરની વૃદ્ધિની મૂળ જગ્યાની બહાર ફેલાતું નથી.
ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ એટલે કે મેમોગ્રામ અને એમઆરઆઈ જેવી તકનીકો, જે સ્તનના કોષોની વિગતવાર છબીઓ બનાવવા માટે ઉપયોગ થાય છે.
બ્રેસ્ટ કેન્સરનો એક એવો પ્રકાર જે ઇસ્ટ્રોજનથી વધે છે અને તેની સારવાર હોર્મોન થેરપીના ઉપયોગથી થાય છે.
દર્દીના નજીકના પરિવારના (કૌટુંબિક) સભ્યોનો આરોગ્ય ઈતિહાસ, જેનાં દ્વારા વ્યક્તિના સ્તનકેન્સરના જોખમનું આકલન કરવામાં આવે છે.
ફટિગ એટલે થાક. કેન્સરની સારવારથી થતી સામાન્ય આડઅસર, આ થાક વધારે પડતો હોય છે અને સામાન્ય આરામથી દૂર થઈ શકતો નથી.
ફ્રોઝન સેક્શન એ એક ખાસ પ્રકારની પેથોલોજિકલ પ્રક્રિયા છે, જે દ્વારા ત્વરિત બાયોપ્સી થાય છે. આમાં બ્રેસ્ટ કેન્સરના દર્દીની સર્જરી દરમ્યાન શંકાસ્પદ પેશીઓનાં નમૂના લેવામાં આવે છે અને તેને તરત જ ફ્રીઝ કરી, પાથોલોજિસ્ટ દ્વારા માઈક્રોસ્કોપ હેઠળ નિરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માત્ર 15-20 મિનિટમાં થાય છે, જેના કારણે સર્જનને તરત જ યોગ્ય સારવાર હેતુ નિર્ણય લેવામાં મદદ મળે છે.
બ્રેસ્ટ કેન્સરની સારવારમાં ફ્રોઝન સેક્શન મહત્વનું બની રહે છે કારણકે ચાલુ સર્જરી દરમ્યાન જ સર્જન કેન્સરગ્રસ્ત પેશીઓની પુષ્ટિ મેળવી શકે છે તેમજ રોગ કેટલો વિસ્તરેલો છે તે પણ જાણી શકવાને લીધે સર્જન ફેલાયેલા કેન્સરના ટીસ્યુને (પેશીઓને) દૂર કરી શકે છે.
સ્તન કેન્સરના કોષોને સ્તનમાંથી કાઢી અને હિસ્ટોપેથોલોજી લેબોરેટરીમાં પૃથ્થકરણ બાદ આ કોષોનો ગ્રેડ અને લેવલ નક્કી કરવામાં આવે છે. કેન્સરના ગ્રેડનો ઉપયોગ રોગમાં કઈ સારવાર શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે તે નક્કી કરવા અને રોગની સારવારના પરિણામ (પૂર્વસૂચન)ની આગાહી કરવા માટે થાય છે. ગ્રેડ (ગ્રેડ 1-3) કેન્સરના કોષો સામાન્ય કોષો જેવા કેટલા દેખાય છે તેના પર આધારિત છે.
ગ્રેડ 1 (ઓછું ):કેન્સર ધીમી વૃદ્ધિ પામી રહેલ છે અને ફેલાવાની શક્યતા ઓછી છે.
ગ્રેડ 2 (મધ્યવર્તી):કેન્સર ગ્રેડ 1 કેન્સર કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે પરંતુ ગ્રેડ 3 કેન્સર કરતાં તેની ગતિ ધીમી છે.
ગ્રેડ 3 (ઉચ્ચ):કેન્સર ઝડપથી વધી રહ્યું છે અને ફેલાવાની શક્યતા વધુ છે.
જેનેટિક કાઉન્સેલિંગમાં કેન્સરના આનુવંશિક જોખમોને ઓળખવા માટેના જેનેટિક પરીક્ષણોના મહત્વ અને તે વિષે બહોળું જ્ઞાન પ્રદાન કરતી ચર્ચાનો સમાવેશ થાય છે.
આ એક દવા છે કે જેનો ઉપયોગ પ્રારંભિક તબક્કાના, એડવાન્સ્ડ તબક્કાના, અથવા મેટાસ્ટેટિક HER2-પોઝિટિવ સ્તન કેન્સરની સારવાર માટે થઈ શકે છે. હેરસેપ્ટિનનું રાસાયણિક નામ ટ્રાસ્ટુઝુમાબ છે.
HER2:(હર ટુ)HER2 નો અર્થ “human epidermal growth factor receptor 2” છે. HER2 પ્રોટીન સ્તન કોશિકાઓની સપાટી પર જોવા મળે છે અને સામાન્ય કોષની અસામાન્ય વૃદ્ધિનું કારણ બને છે. જો કોઈ વ્યક્તિનું HER2 પ્રોટીનનું સ્તર સામાન્ય કરતાં વધારે પડતું હોય, તો તે કેન્સરને ઝડપથી વધવા અને ફેલાવવાનું કારણ બની શકે છે.

HER2-પોઝિટિવ અને HER2- Low:જો સ્તન કેન્સરના કોષોમાં HER2 પ્રોટીનનું પ્રમાણ અસાધારણ રીતે ઊંચું હોય, સ્તન કેન્સરને HER2-પોઝિટિવ (HER2 પ્રોટીનનું એલિવેટેડ સ્તર) અથવા HER2 -Low (HER2 પ્રોટીનનું થોડું એલિવેટેડ સ્તર) ગણવામાં આવે છે. HER2-પોઝિટિવ અને HER2-Low સ્તન કેન્સર, કેન્સરના કોષોના ગુણાકારનું કારણ બની શકે છે અને વધુ ઝડપથી ફેલાય છે. HER2-પોઝિટિવ સ્તન કેન્સરની સારવાર મુખ્યત્વે biologic targeted therapy (જૈવિક લક્ષિત ઉપચાર), જેમ કે હેરસેપ્ટિન દ્વારા કરવામાં આવે છે.
હિસ્ટોપેથોલોજી એટલે કે પેશીવિકૃતિ અથવા પેશીરુગ્ણતા શાસ્ત્ર જે અંતર્ગત રોગમાં થતી પેશીની વિકૃતિઓનો સૂક્ષ્મદર્શક વડે અભ્યાસ કરવામાં આવે છે. આના મુખ્ય પગલામાં:
- ગાંઠમાંથી / અસામાન્ય વિસ્તારમાંથી પેશીનો અંશ લેવો
- આ અંશને પૃથ્થકરણ માટે તૈયાર કરવો
- ફ્રોઝન સેક્શન અથવા શીતપેશી પરીક્ષણ
- પેશીનું સ્ટેઈનીંગ અથવા અભિરંજન
- અર્થઘટન એટલે કે જુદા જુદા કોષો, તેમાં થયેલી વિકૃતિ તથા કોષોની બહારના દળમાં ફેરફારોને નોંધીને રોગનું નિદાન કરાય છે.
લેટિન શબ્દ "IN SITU:" એટલેકે "મૂળ સ્થાને". કેન્સરના પ્રારંભિક તબક્કાને "કાર્સિનોમા ઇન સિટુ" અથવા “cancer in the original place ("કેન્સર તેના મૂળ સ્થાને") કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તે મૂળ સ્થાનેથી અન્યત્ર ફેલાયેલ નથી.

આ સ્તન કેન્સરનો એક જવલ્લે - ક્યારેક જ જોવા મળતો, આક્રમક પ્રકાર છે. IBC ત્યારે થાય છે જ્યારે કેન્સરના કોષો સ્તનની ચામડી અને લસિકા વાહિનીઓમાં ઘૂસી જાય છે. અન્ય પ્રકારના સ્તન કેન્સર કરતાં IBCનું નિદાન મુશ્કેલ ગણવામાં આવે છે અને તે યુવાન સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે . તે અન્ય પ્રકારના સ્તન કેન્સર કરતાં પણ વધુ ઝડપથી ફેલાય છે. IBC ને સ્ટેજ 3 સ્તન કેન્સર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે કારણ કે તેમાં સ્તનની ચામડીના કેન્સરનો સમાવેશ થાય છે. જો કેન્સર સ્તન અને ત્વચાની બહાર શરીરના અન્ય અવયવોમાં ફેલાઈ ગયું હોય, તો તેને સ્ટેજ 4 સ્તન કેન્સર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
ઇન્ફ્યુઝન એટલે શરીરની નસ અથવા ટીસ્યુ (પેશીઓ) માં સારવાર માટેના સબસ્ટેન્સ (દવા) નું ઇન્જેક્શન દ્વારા વહન કરાવવું. કીમોથેરાપી, બાયોલોજિક ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી સામાન્ય રીતે ઇન્ફ્યુઝન દ્વારા અથવા શરીરમાં દવાઓના ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.
આ એક આક્રમક પ્રકારનું સ્તન કેન્સર હોય છે જેમાં અસામાન્ય કેન્સર કોષો કે જે દૂધની નળીઓમાં રચાવાનું શરૂ થાય છે અને તે નળીની બહાર સ્તન પેશીઓના અન્ય ભાગોમાં પણ ફેલાય છે. IDC એ સ્તન કેન્સરનો સૌથી વધારે જોવા મળતો પ્રકાર છે, જેનું પ્રમાણ તમામ સ્તન કેન્સર નિદાનમાંથી લગભગ 70-80% જેટલું હોય છે.

આ એક આક્રમક પ્રકારનું સ્તન કેન્સર હોય છે જે સ્તનના લોબ્યુલ્સ (દૂધ ગ્રંથીઓ) માં શરૂ થાય છે અને આસપાસની સામાન્ય પેશીઓમાં ફેલાય છે. તે લોહી અને લસિકા તંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે. ILC એ સ્તન કેન્સરનો બીજો સૌથી સામાન્ય પ્રકાર છે, જેનું પ્રમાણ સ્તન કેન્સરના કુલ નિદાનમાં લગભગ 12-15% જેટલું હોય છે.
ઇમ્યુનોથેરપીમાં શરીરનાં રોગપ્રતિકારક તંત્રનો ઉપયોગ કરીને કેન્સર કોષોને નષ્ટ કરવાની સારવારનો સમાવેશ થાય છે.
લોબ્યુલર કાર્સિનોમા ઇન સિટુ (LCIS) એ સ્તન કેન્સર નથી. તે એવી સ્થિતિ છે જ્યાં સ્તનના લોબ્યુલ્સમાં અસામાન્ય કોષો જોવા મળે છે. બિનપરંપરાગત કોષો લોબ્યુલ્સની બહાર આસપાસના સ્તન પેશીઓમાં ફેલાયેલ હોતા નથી. LCIS એ ભવિષ્યમાં સ્તન કેન્સર થવાનું વધતું જોખમ નિર્દેશિત કરતું માર્કર છે. બ્રેસ્ટ બાયોપ્સીમાં LCIS ધરાવતી વ્યક્તિ માટે તેમના જોખમને ઘટાડવા માટે ટેમોક્સિફેન જેવી હોર્મોનલ થેરાપી દવા પણ સૂચવવામાં આવી શકે છે.
લમ્પેક્ટોમી એ સ્તન કેન્સર માટેના સર્જીકલ સારવાર વિકલ્પોમાંની એક છે જેમાં પ્રાથમિક સ્તન કેન્સરની ગાંઠ અને ગાંઠની આસપાસના તંદુરસ્ત પેશીઓના માર્જિનને દૂર કરવામાં આવે છે, અને સમગ્ર સ્તનને દૂર કરવામાં આવતું નથી. લમ્પેક્ટોમીનો ઉપયોગ કીમોથેરાપી અથવા રેડિયેશન જેવી અન્ય સારવારો સાથે થઈ શકે છે.

લિમ્ફેડીમા એ લાંબાગાળાની એવી અસર છે જે લસિકાગ્રંથીઓના સામાન્ય ડ્રેનેજમાં વિક્ષેપ અથવા નુકસાનને કારણે થાય છે તે મોટેભાગે હાથના સોજાનું કારણ બને છે, પરંતુ તે સ્તન, છાતી અને ક્યારેક પગને પણ અસર કરી શકે છે. સ્તન કેન્સરની સારવારના ભાગરૂપે એક્સેલરી લસિકા ગાંઠો દૂર કરવાથી લિમ્ફેડેમા થવાનું જોખમ વધે છે.
મૅલિગ્નન્ટ એટલે કે હાનિકારક, ક્યારેક જીવલેણ. આ શબ્દ એક એવી ગાંઠ જે કેન્સરગ્રસ્ત છે તેના માટે વપરાય છે.

મેમોગ્રાફી એ ઓછી એનર્જી વાળા એક્સરે જેવા મશીનની મદદથી સ્તનનું પરીક્ષણ કે સ્તન કેન્સરની પ્રારંભિક તપાસ અથવા નિદાનમાં ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા છે.

મેટાસ્ટેટિક સ્તન કેન્સર એ સ્ટેજ 4 સ્તન કેન્સર તરીકે વર્ગીકૃત કેન્સર છે, મેટાસ્ટેટિક સ્તન કેન્સર (MBC) ત્યારે કહેવાય છે જ્યારે સ્તન કેન્સર ફેફસાં, યકૃત, હાડકાં અથવા મગજ જેવા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે અથવા મેટાસ્ટેસાઇઝ થાય છે. જો કે MBC સાધ્ય નથી, તે સારવાર યોગ્ય છે અને આ સારવારનું પ્રાથમિક ધ્યેય એ આ રોગગ્રસ્ત દર્દીને જીવે ત્યાં સુધી ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાનું હોય છે. તેનું મેનેજમેન્ટ એક લાંબાગાળાની બીમારી તરીકે કરવામાં આવે છે.
એમઆરઆઈ એટલે ચુંબકીય ક્ષેત્રોનો ઉપયોગ કરીને સ્તનની પેશીઓની વિગતવાર છબીઓ બનાવવા માટેની ઈમેજિંગ તકનીક.
મોલેક્યુલર ટેસ્ટિંગ એટલે જૈવિક માર્કર્સનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાતી તકનીક, જેમાં જીવંત સજીવોના જિન (જેનેટિક મટેરીયલ) કે ડીએનએ અને આરએનએ જેવા અણુઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ પ્રકારનું પરીક્ષણ મુખ્યત્વે રોગનું નિદાન કરવા, રોગો સામેની સંવેદનશીલતા ચકાસવા, અને વ્યક્તિના જીન્સ અને જુદી-જુદી જૈવિક લાક્ષણિકતાઓને સમજવા માટે ઉપયોગમાં લેવાય છે.
મોલેક્યુલર ટેસ્ટિંગમાં વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેમ કે પીસીઆર (પોલીમેરેઝ ચેઇન રિએક્શન), નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ, અને હાઈબ્રિડાઈઝેશન. આ દ્વારા સંક્રમણ, જેનેટિક રોગો કે કેન્સર જેવા વિવિધ રોગોનું ત્વરિત અને સચોટ નિદાન શક્ય બને છે. આ ઉપરાંત કેન્સરમાં વ્યક્તિગત દર્દીઓ માટે કયો ઉપચાર શ્રેષ્ઠ કામ કરશે તે નક્કી કરવા માટે પણ મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે ER PR HER 2 મોલેક્યુલર ટેસ્ટિંગ કહેવાય.
નિયો-અડજુવન્ટ થેરપી એટલેકે મુખ્ય સારવાર (સર્જરી) પહેલાં આપવામાં આવતી સારવાર, જે ટ્યુમરને ઘટાડે છે જેથી તેને દૂર કરવું સરળ બને.
કીમોથેરપીના કારણે થયેલું નર્વ (ચેતાઓ)નું નુકસાન, જેની અસરથી હાથ અને પગમાં ઝનઝનાટી અથવા પીડા થાય છે.
સ્તન કેન્સરના સંદર્ભમાં ઓનકોપ્લાસ્ટી અથવા ઓન્કોપ્લાસ્ટિક સર્જરી એ એક ખાસ પ્રકારની સર્જરી છે. આ સર્જરી દ્વારા , કેન્સરના ટ્યુમરને દૂર કરવાથી ઉભી થયેલ અસામાન્યતાઓને સુધારવામાં આવે છે જે છાતીનો સ્વભાવિક આકાર જાળવવામાં મદદ થાય છે.
ઓન્કોપ્લાસ્ટિક સર્જરી બે મુખ્ય હેતુઓ સાથે કરવામાં આવે છે:
- દર્દીના શરીરમાંથી સુરક્ષિત રીતે અને સંપૂર્ણ નિદાન માટે ટ્યુમર અથવા કેન્સરની ગાંઠ કાઢવી અથવા દૂર કરવી.
- સર્જિકલ રીકન્સ્ટ્રક્શન - ટ્યુમર હટાવ્યાના પછી છાતીનો સ્વભાવિક આકાર જાળવવા માટે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, જેથી દર્દીને કોસ્મેટિક અને ભાવનાત્મક સંતોષ મળે.
આ પદ્ધતિમાં કેન્સરના ઈલાજ સાથે કોસ્મેટિક પરિબળોનો પણ સમાવેશ થાય છે, જેથી દર્દીની સ્વસ્થતા અને આત્મવિશ્વાસ જળવાઈ રહે.

આ એક જીનોમિક ટેસ્ટ (આનુવંશિક પરીક્ષણ), જે કેન્સરના રીકરન્સ (પુનરાગમન)નાં જોખમ અને પ્રારંભિક બ્રેસ્ટ કેન્સરમાં કીમોથેરપીના ફાયદાનો અંદાજ મેળવવામાં મદદરૂપ થાય છે.
રોગોના અભ્યાસને સંદર્ભિત; બ્રેસ્ટ કેન્સરમાં, તે ટિશ્યૂ નમૂનાની તપાસ દ્વારા કેન્સરનો પ્રકાર અને સ્ટેજ નક્કી કરવામાં મદદરૂપ થાય છે.
પેલિએટિવ કેર એટલે કે ઉપશામક સારવાર જે અંતર્ગત દર્દીની વિશિષ્ટ તબીબી સંભાળ કે જે દર્દીના જીવનની ગુણવત્તા માટે વિક્ષેપકારક લક્ષણો અથવા આડઅસરોના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આનો ઉપયોગ ગંભીર અથવા જીવલેણ પ્રકારની જીવનના અંતિમ તબક્કાની બીમારીમાં થાય છે અને તે દર્દીની પ્રાથમિક સારવારનો વિકલ્પ નથી. ઉપશામક સારવારનો ધ્યેય જીવનની ગુણવત્તાને પુનઃસ્થાપિત અથવા સાચવવાનો હોય છે.
પેટ સ્કેન: પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી, અથવા પેટ સ્કેન, એ એક ઇમેજિંગ ટેસ્ટ છે જે સમગ્ર શરીરમાં સ્તન કેન્સરના પ્રસારની તપાસ કરવા માટે રેડિયોએક્ટિવ પદાર્થનો ઉપયોગ કરે છે, જેને ટ્રેસર કહેવાય છે. ટ્રેસર એવા વિસ્તારોને ઓળખવામાં મદદ કરે છે જે MRI અથવા CT સ્કેન પર દેખાતા નથી.

પ્રોગ્નોસિસ એટલે કે પૂર્વાનુમાન : કેન્સર જેવી તબીબી સ્થિતિની સારવાર અને તેના પરિણામ વિશે ડૉક્ટરના અનુમાનને પ્રોગ્નોસિસ કહેવામાં આવે છે.
આ પ્રોજેસ્ટેરોનથી વધતો બ્રેસ્ટ કેન્સરનો એક પ્રકાર છે; તેનો હોર્મોન થેરપીથી ઈલાજ કરવામાં આવે છે.
ફિઝિયોથેરાપી એટલે શરીરની પેસિવ અને એક્ટિવ કસરતોની પદ્ધતિ, જે મસલ્સ (સ્નાયુઓ) અને જોઈંટ્સ (સાંધાઓ)ની શક્તિ, સુગમતા અને કાર્યક્ષમતા સુધારવામાં મદદરૂપ છે.
સ્તન કેન્સરમાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સર્જરી અને સારવાર પછી ઘણી વખત દર્દીઓને હલનચલન, શરીરમાં જકડાશ, અને દુખાવાની સમસ્યા અનુભવાય છે. ફિઝિયોથેરાપી આ પરિસ્થિતિઓમાં મદદરૂપ થાય છે અને નીચે મુજબના લાભ આપે છે:
- દુખાવો અને જકડન ઘટાડે છે - ફિઝિયોથેરાપી કસરતો દર્દીના હાથ અને છાતીના વિસ્તારનાં સ્નાયુઓનો સ્થિતિસ્થાપકતા વધારવામાં મદદ કરે છે અને સર્જરીના ભાગે અથવા રેડિએશનથી થતી જકડાશ ઘટાડે છે.
- શક્તિ અને મોબિલિટી વધારે છે - ફિઝિયોથેરાપી દ્વારા હળવી કસરતો અને ટેકનિકનો ઉપયોગ કરી હાથની અને ખભાની શક્તિ, લવચીકતા અને ગતિક્ષમતા સુધારવામાં મદદ મળે છે, જેની અસરકારકતા રોજિંદા કાર્યોમાં જોઈ શકાય છે.
- લીમ્ફઈડીમા નિયંત્રણ - સ્તન કેન્સરની સર્જરી પછી હાથમાં લિંફેડેમા (સૂજન) થઈ શકે છે. ફિઝિયોથેરાપી દ્વારા ખાસ પ્રકારની મસાજ ટેકનિક્સ અને કસરતો આ સોજો ઘટાડવામાં મદદ કરે છે.
- મનોબળ અને આત્મવિશ્વાસ - શરીરની ફિટનેસ અને શક્તિ સુધારતા, દર્દીઓમાં આત્મવિશ્વાસ અને સુખાકારીની ભાવના વધે છે.તે દર્દીને માનસિક રીતે પણ મજબૂત બનાવે છે, જેથી તેઓ સર્જરી અને સારવાર પછીનું જીવન વધુ આરામદાયક રીતે જીવી શકે.
રેડિયેશન એ સ્તન કેન્સરની સારવારનો એક પ્રકાર છે જેમાં કેન્સરગ્રસ્ત કોષોને મારવા માટે ઉચ્ચ-ઊર્જા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. તે માત્ર શરીરના તે ભાગના કોષોને અસર કરે છે જ્યાં રેડિયેશન આપવામાં આવે છે.

રિકંસ્ટ્રક્શન એટલે કે સ્તનનું પુનઃનિર્માણ કે નવસર્જન - માસ્ટેક્ટોમી પછી સ્તન(ઓ)ને ફરીથી બનાવવા માટેની એક પ્રકારની કોસ્મેટિક સર્જરી. આમાં કેટલાક પ્રકારના પુનઃનિર્માણમાં ઇમ્પ્લાન્ટ્સ (સ્તન પ્રત્યારોપણ) નો ઉપયોગ થાય છે, જ્યારે અન્ય પ્રકારમાં સ્તન બનાવવા માટે દર્દીનાં પોતાના શરીરમાંથી ફેટી પેશીઓનો ઉપયોગ કરવામાં આવે છે છે (જેમ કે પેટ, નિતંબ અથવા જાંઘની આંતરિક પેશીઓ). સ્તનની પુનઃનિર્માણ સર્જરી મેસ્ટેક્ટોમી વખતે જ અથવા મહિનાઓ કે વર્ષો પછી પણ થઈ શકે છે.
રીકરન્સ એટલે કે પુનરાવૃત્તિ કે પુનરાગમન. જ્યારે સ્તન કેન્સર પ્રારંભિક સારવાર પૂર્ણ કર્યા પછી પાછું આવે છે ( ફરીથી થાય છે) , ત્યારે તેને રીકરન્સ કહેવામાં આવે છે.
- લોકલ (સ્થાનિક) પુનરાવૃત્તિ: સ્તન કેન્સર એ જ સ્તનમાં મૂળ ગાંઠની જગ્યા એ જ પરત આવે છે.
- રિજીયોનલ (પ્રાદેશિક) પુનરાવૃત્તિ: સ્તન કેન્સર મૂળ સ્થળની નજીક, બગલ અથવા કોલરબોનમાં લસિકા ગાંઠોમાં પરત આવે છે.
- ડીસ્ટન્ટ (દૂર ની) પુનરાવૃત્તિ: સ્તન કેન્સર મૂળ ગાંઠથી શરીરના અન્ય ભાગોમાં, જેમ કે હાડકાં, ફેફસાં, લીવર અથવા મગજમાં પાછું આવે છે અથવા ફેલાય છે. મેટાસ્ટેટિક સ્તન કેન્સર (MBC), અથવા સ્ટેજ 4 સ્તન કેન્સર, સ્તન કેન્સરનું દૂરવર્તી પુનરાવર્તન કહેવાય છે.
રેડ ડેવિલ, કીમોથેરાપી દવા ડોક્સોરુબીસિનને તેના વિશિષ્ટ લાલ રંગને કારણે અને કારણ કે તે દર્દીઓમાં વાળ ખરવા, ઉબકા અને ઉલ્ટી જેવી ગંભીર આડઅસર કરી શકે છે, તે કારણસર સામાન્ય રીતે "રેડ ડેવિલ" તરીકે ઓળખવામાં આવે છે.
રેમીશન એટલે તે સમયગાળો જેમાં કેન્સર સારવારને પ્રતિસાદ આપે છે અને નિયંત્રણમાં હોય છે.
સ્ક્રીનિંગ એટલે લક્ષણો દેખાવા પહેલા સ્તન કેન્સરના શરૂઆતના ચિહ્નો શોધવા માટેની પ્રક્રિયા; સામાન્ય રીતે તેમાં મેમોગ્રામ અને સ્તનના જાત પરીક્ષણનો સમાવેશ થાય છે.
સ્તનકેન્સર માં સેન્ટિનલ નોડ બાયોપ્સી એ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેનાથી કેન્સર ફેલાયાનું ચકાસી શકાય છે. આ પદ્ધતિમાં, પ્રાથમિક લિમ્ફનોડ (સેન્ટિનલ નોડ) શોધીને તેને પરીક્ષણ માટે દૂર કરવામાં આવે છે.
સર્જન પ્રથમ સેન્ટિનલ નોડની ઓળખ કરવા માટે છાતીના વિસ્તાર કે ટ્યુમરમાં એક વિશિષ્ટ રંગ અથવા રેડિયોએક્ટિવ ડાઈ ઇન્જેક્ટ કરે છે. આ રંગ અથવા ડાઈ લિંફ નોડ્સ સુધી પહોંચે છે, જેથી સર્જન સેન્ટિનલ નોડને ઓળખી શકે છે. પછી તેને કાઢી ને માઈક્રોસ્કોપ હેઠળ તપાસવામાં આવે છે કે તેમાં કેન્સરનાં કોષો છે કે નહીં.
જો સેન્ટિનલ નોડમાં કેન્સર જોવા મળે, તો કેન્સરના અન્ય લિમ્ફ નોડ્સમાં ફેલાવાનો સંકેત મળી શકે છે, અને તેથી વધુ આક્રમક સારવાર જરૂરી બની શકે છે.
જો સેન્ટિનલ નોડ બાયોપસી નકારાત્મક આવે, તો અન્ય લિમ્ફ નોડ્સ દૂર કરવાની જરૂર રહેતી નથી, જેનાથી દર્દી ઝડપથી સાજો થઈ શકે છે અને પડખાં અથવા હાથમાં અનાવશ્યક સોજો આવવાની સમસ્યામાં ઘટાડો થાય છે.
આ પદ્ધતિ દર્દીઓ માટે વધુ સલામત અને ઓછા જોખમવાળી માનવામાં આવે છે.
સેન્ટિનલ નોડ બાયોપસી સ્તનકેન્સરના દર્દીઓની સારવારમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે, કારણ કે તે સચોટ રીતે કેન્સર ફેલાવાની માહિતી આપે છે અને વધુ સચોટ અને વૈજ્ઞાનિક રીતે સારવારનું માર્ગદર્શન આપે છે.
સર્વાઈવરશિપ પ્લાન એટલે સારવાર બાદ ભૂતપૂર્વ કેન્સરના દર્દીઓ માટેની સંભાળ અને નિયંત્રણ યોજનાઓ, જેમાં લક્ષણોની તપાસ અને પુનરાગમનનું જોખમ ઘટાડવા માટેની માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે.
સ્તન કેન્સરના દર્દીઓ અને વિજેતાઓને જરૂરી માહિતી અને ભાવનાત્મક સહાય આપતા સમુદાય કક્ષાના જૂથ એટલે સપોર્ટ ગ્રુપ્સ.
ટેમોક્સિફેન એ એક હોર્મોન થેરાપીની દવા છે જે મૂળ સ્તન કેન્સરને પાછું આવતા અટકાવી શકે છે અને તેને અન્ય સ્તનમાં અથવા શરીરમાં અન્યત્ર નવાં કેન્સરના વિકાસને રોકવામાં પણ મદદ કરી શકે છે. તે સામાન્ય રીતે સ્તન કેન્સરની સારવાર પછી 5 વર્ષના સમયગાળા માટે લેવામાં આવે છે.
ટારગેટેડ થેરાપી એટલે કે લક્ષિત ઉપચાર. તેને જૈવિક ટાર્ગેટેડ થેરાપી પણ કહેવાય છે, આ થેરાપી કેન્સર કોષો પરનાં ચોક્કસ પ્રોટીનને લક્ષ્ય બનાવે છે જે કેન્સરનો વ્યાપ વધારવામાં કે ફેલાવવામાં કારણભૂત હોય છે. આ થેરાપીની લક્ષિત દવાઓ કેન્સરગ્રસ્ત કોષોની વૃદ્ધિને નષ્ટ કરવા અથવા ધીમું કરવાનું કામ કરે છે.
થ્રાઇવર એ સામાન્ય રીતે મેટાસ્ટેટિક સ્તન કેન્સરના દર્દીઓ દ્વારા પોતાને વર્ણવવા માટે વપરાતો શબ્દ છે. મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સર સમુદાયના કેન્સર વિજેતા લોકો માટે આ શબ્દ પ્રયોજાય છે.
ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સર (TNBC) એ સ્તન કેન્સરનો એક પ્રકાર જેમાં કેન્સરની ગાંઠમાં કેન્સરની વૃદ્ધિ માટે જાણીતા ત્રણ સૌથી સામાન્ય રીસેપ્ટર્સ-એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને HER2/neu જનીન હાજર હોતા નથી. TNBC માટે હોર્મોન ઉપચાર અસરકારક નથી, પસંદગીની સારવાર સાથે વિકલ્પ કીમોથેરાપી છે.
ટ્યુમર એટલે કે ગાંઠ. અસામાન્ય પેશીઓનો સમૂહ. ગાંઠ બિનાઇન એટલે કે સૌમ્ય (કેન્સર વગરની) અથવા હાનિકારક (કેન્સરયુક્ત) હોઈ શકે છે.
ટીએનએમ સ્ટેજિંગ એટલે કેન્સરના ટ્યુમર ( ગાંઠ) ના આકાર, નોડ્સની સંખ્યા અને મેટાસ્ટેસિસ આધારે કેન્સરના ફેલાવાનો પ્રારંભ રજૂ કરવા માટેની પ્રણાલી.
અલ્ટ્રાસાઉન્ડ એક સ્કેન કે જેમાં મનુષ્યો દ્વારા ન સાંભળી શકાતાં ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે અને તે શરીરની પેશીઓને અસર અથવા નુકશાન કરતા નથી. અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ સ્તનમાં શોધાયેલ શંકાસ્પદ વિસ્તારની તપાસ કરવા માટે થાય છે.
જાણકારી જીવન બચાવી શકે છે.
જાગૃતિ જીવનને સંવારી શકે છે.
આ પુસ્તિકાનો હેતુ સક્ષમ થઇ સ્તનકેન્સરનો સામનો કરવાનો છે.
ચાલો, તેને ગુજરાતી ભાષામાં ડાઉનલોડ કરીએ, જ્ઞાન સાથે, સમઝણ સાથે નિર્ણયો લઈએ અને સ્તન કેન્સરને હરાવીએ.
ડાઉનલોડ કરો
આ શબ્દાવલી એડલાઇફ ફાઉન્ડેશનનાં સંપર્કમાં આવેલ સ્તનકેન્સરના દર્દીઓ અને તેમનાં પરિજનોનાં સવાલો અને શંકાઓના નિરાકરણના ભાગ રૂપે બની છે અને અમારાં અનુભવે અહીં સ્તનકેન્સરનાં નિદાન અને સારવારમાં વધારે વપરાતાં શબ્દો મહદ્દઅંશે આવરી લેવાયેલ છે. આ સિવાય જો આપને મૂંઝવતા કોઈ શબ્દો હોય તો અમને connect@addlifefoundation.com પર લખી મોકલવા વિનંતી. એક્સપર્ટ ડોક્ટર્સના પરામર્શ બાદ અમે તેને આ શબ્દાવલીમાં ચોક્કસ ઉમેરીશું જેથી દરેક દર્દી આ જ્ઞાનનો લાભ મેળવી શકે.